સુરત શહેરમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ઠગ ટોળકીઓ સક્રિય થઈ છે. સરથાણા પોલીસ મથક વિસ્તારમાં છેતરપિંડીના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યા છે, જેમાં ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવી લીધા છે. પ્રથમ કિસ્સામાં સ્કૂલના વ્હોટ્સએપ ગ્રૂપમાં
કિસ્સો 1: સ્કૂલ ગ્રૂપમાં આવેલી જાહેરાત પર ભરોસો કરવો યુવતીને ભારે પડ્યો સરથાણા જકાતનાકા નજીક આવેલી શાંતિવન સોસાયટીમાં રહેતી 29 વર્ષીય ધ્રુષ્ટી બાલુભાઈ વેકરિયા '13, 14, 15 આશાદીપ સ્કૂલ સ્ટુડન્ટ' નામના વ્હોટ્સએપ ગ્રૂપમાં જોડાયેલી હતી. આ દરમિયાન ગ્રૂપમાં એક અજાણ્યા શખ્સે 'ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે મારો સંપર્ક કરો' તેવો મેસેજ મૂક્યો હતો. ધ્રુષ્ટીબેન વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાથી તેમણે આ નંબર પર સંપર્ક સાધી ટિકિટ બુકિંગ અંગે ચર્ચા કરી હતી.
ટુકડે-ટુકડે ₹1.66 લાખ પડાવ્યા બાદ ગઠિયાએ ફોન સ્વિચ ઓફ કર્યો સામેવાળા શખ્સે વિશ્વાસ કેળવી અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કુલ ₹1,66,000 ધ્રુષ્ટીબેન પાસેથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પૂરેપૂરી રકમ ચૂકવી દીધા છતાં યુવતીને ફ્લાઇટની કોઈ ટિકિટ મળી નહોતી. શંકા જતાં તેમણે વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગઠિયાએ પોતાનો મોબાઇલ નંબર બંધ કરી દીધો હતો. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં ધ્રુષ્ટીબેને સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કિસ્સો 2: લંડન જવાના સપના જોતા દંપતી સાથે ₹29.17 લાખની છેતરપિંડી બીજા બનાવમાં સરથાણા, વાલક પાટિયા ખાતે સિદ્ધેશ્વર હાઈટ્સ પાસે આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા અને એમ્બ્રોઈડરી જોબવર્કનો વ્યવસાય કરતા હેવીલ નરશીભાઈ જાગાણીએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નાના વરાછા ખાતે શ્યામધામ ચોક નજીક યોગીકૃપા સોસાયટીમાં રહેતા મનીષ રમેશ વાઘાણી અને યોગીચોક સ્થિત યોગીદર્શન સોસાયટીમાં રહેતી નિશાબેન ભૂપત રામાણી સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
ઓક્ટોબર 2023થી એપ્રિલ 2024 દરમિયાન લાખો રૂપિયા પડાવ્યા પોલીસ ફરિયાદ મુજબ, આરોપી મનીષ વાઘાણી અને નિશા રામાણીએ હેવીલભાઈના ભાઈ ચંદ્રેશ ઉર્ફે સંદીપ અને ભાભી આરતીબેનને યુ.કે. (લંડન)ના વર્ક વિઝા અપાવવાની ખાતરી આપી હતી. વિઝા પ્રોસેસિંગ અને અન્ય ખર્ચાઓના બહાને ઓક્ટોબર 2023થી એપ્રિલ 2024 દરમિયાન દંપતી પાસેથી કુલ ₹29,17,950 પડાવી લીધા હતા. સમય વીતવા છતાં ન તો વર્ક વિઝા આવ્યા કે ન તો પૈસા પરત મળ્યા હતા. અંતે પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બંટી-બબલી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
(0)Comments