અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ગુનો કરાવવા માટે ઉશ્કેરણી કરવાના આરોપ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ મહિલાને ધંધા કે કારકિર્દીમાં આગળ વધવા માટે જાતીય પ્રકારની માંગણીઓ સાથે સમાધાન કરવાની વાત કહેવામાં આવી હોય, પરંતુ ગુનો કરાવવાનો ઈરાદો સાબિત ન થાય, તો માત્ર આવા શબ્દો બોલવાથી ગુનો કરાવવા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો બનતો નથી. ગુજરાત હાઈકોર્ટે અરજદાર કનૈયાલાલ ત્રિકમલાલ પટેલની અરજી મંજૂર કરી વર્ષ 2016માં એલિસબ્રિજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અને તેની સાથે જોડાયેલી કાર્યવાહી અરજદાર પૂરતી રદ કરી છે.
પ્રસ્તુત કેસ વર્ષ 2016ની ફરિયાદ સાથે સંકળાયેલો છે. 23 ઓગસ્ટ, 2016ના રોજ એલિસબ્રિજ પોલીસ મથકમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354 A, 354 C, 354 D અને 114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદને રદ કરવા માટે અરજદાર દ્વારા ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 482 હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, ફરિયાદીનો એક સંસ્થા સાથે નાણાકીય વ્યવહાર હતો અને સંસ્થા પાસેથી અંદાજે 22 લાખ રૂપિયા લેવાના હતા. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સંસ્થાના એક વ્યક્તિએ ફરિયાદી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. ફરિયાદીએ આ અંગે અરજદાર સહિત સંસ્થાના અન્ય વ્યક્તિઓને જાણ કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડિસેમ્બર 2015 દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાયેલા કાર્યક્રમોમાં અરવિંદ ગજેરા નામના વ્યક્તિએ ફરિયાદી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. ફરિયાદીએ આ બાબતે અરજદારને જાણ કરી ત્યારે અરજદારે ફરિયાદને ગંભીરતાથી ન લીધી હોવાનો અને જો તે ધંધામાં આગળ વધવા માગતી હોય તો આવી માંગણીઓ સાથે સમાધાન કરવું પડશે તેમ કહ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
અરજદારના વકીલની દલીલઅરજદાર તરફથી વકીલ રસેશ પરીખે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે, ફરિયાદ અને આરોપપત્રના દસ્તાવેજો જોતા અરજદાર વિરુદ્ધ મહિલાની લાજ ભંગ, જાતીય સતામણી, મહિલાની ખાનગી ક્ષણો જોવી કે પીછો કરવા જેવા કોઈ સીધા આરોપ નથી. અરજદાર વિરુદ્ધ માત્ર એટલો આક્ષેપ છે કે ફરિયાદીએ કરેલી વાતને તેમણે ગંભીરતાથી લીધી નહોતી અને તેને ધંધામાં આગળ વધવા માટે આવી માંગણીઓ સ્વીકારવાની વાત કહી હતી.
વકીલ રસેશ પરીખે વધુમાં દલીલ કરી હતી કે, ફરિયાદનો ઉપયોગ બાકી રહેલી 22 લાખ રૂપિયાની રકમ વસૂલવા માટે દબાણ ઊભું કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો. કથિત ઘટના ડિસેમ્બર 2015માં બની હોવા છતાં ફરિયાદ લગભગ આઠ મહિના બાદ નોંધાવવામાં આવી હોવાનો મુદ્દો પણ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અરજદાર વિરુદ્ધ કોઈ સીધું ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પણ દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું નથી તેવી દલીલ કરવામાં આવી હતી.
બીજી તરફ ફરિયાદી પક્ષના વકીલે દલીલ કરી હતી કે, અરજદાર સંસ્થાના વડા હોવા છતાં ફરિયાદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અંગે કોઈ કાર્યવાહી કરી નહોતી. ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, અરજદારને સતત મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેમણે કોઈ પગલાં લીધાં નહોતાં અને ફરિયાદીને સંસ્થાના સચિવની કથિત ગેરકાયદેસર માંગણીઓ સાથે સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, જામનગરની ધર્મશાળાનું સુરક્ષા કેમેરાનું દૃશ્ય 15 દિવસથી વધુ સમય સુધી સંગ્રહિત રહેતું ન હોવાથી ત્યાં અરજદારની હાજરી અંગેનો પુરાવો મેળવી શકાયો નહોતો. જોકે, સુરતની જિન્જર હોટેલમાં અરજદાર રોકાયા હોવાની વિગતો તપાસના દસ્તાવેજોમાં ઉપલબ્ધ હોવાનું સરકાર તરફથી જણાવાયું હતું.
હાઈકોર્ટે શું અવલોકન કર્યું?ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ફરિયાદ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ધ્યાનપૂર્વક અવલોકન કર્યું હતું. અદાલતે નોંધ્યું હતું કે અરજદાર સુરતની હોટેલમાં રોકાયા હોવાની વિગતો છે, પરંતુ કથિત ઘટના બની ત્યારે તેઓ રેસ્ટોરન્ટમાં હાજર હતા તેવું સાબિત થતું નથી.
અદાલતે વધુમાં નોંધ્યું કે, ફરિયાદ અને ફરિયાદીના ત્યારબાદના નિવેદનના આધારે અરજદાર દ્વારા મહિલાની લાજ ભંગ, જાતીય સતામણી, મહિલાની ખાનગી ક્ષણો જોવી કે પીછો કરવા જેવા ગુનાઓ કરવામાં આવ્યા હોવાનું દર્શાવતું કોઈ સીધું કૃત્ય સામે આવતું નથી.
ગુનો કરાવવા માટે ઉશ્કેરણીમાં ઈરાદો જરૂરીહાઈકોર્ટે ગુનો કરાવવા માટે ઉશ્કેરણી એટલે કે અબેટમેન્ટ અંગેની કાયદાકીય જોગવાઈઓની પણ ચર્ચા કરી હતી. અદાલતે જણાવ્યું કે, કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે ઉશ્કેરવો, ગુનો કરવા માટે કાવતરામાં ભાગ લેવો અથવા ગુનો કરવામાં જાણપૂર્વક મદદ કરવી જેવા તત્વો ગુનો કરાવવા માટે ઉશ્કેરણીના ગુનામાં જરૂરી છે.
અદાલતે ખાસ કરીને જણાવ્યું કે, આ પ્રકારના ગુનામાં આરોપીનો ગુનો કરાવવાનો ઈરાદો એટલે કે ગુનાહિત મનોભાવ મહત્વપૂર્ણ છે. માત્ર કોઈ મહિલાને એવું કહેવામાં આવે કે ધંધા અથવા કારકિર્દીમાં આગળ વધવા માટે તેણે જાતીય પ્રકારની માંગણીઓ સાથે સમાધાન કરવું પડશે, એટલા માત્રથી ગુનો કરાવવા માટે ઉશ્કેરણીનો ગુનો બની જતો નથી. આરોપી પાસે ગુનો કરાવવાનો ઈરાદો હોવો જોઈએ અને ગુનો થઈ રહ્યો છે અથવા થવાનો છે તેની જાણકારી પણ હોવી જોઈએ. માત્ર કોઈ વ્યક્તિનું બેદરકાર અથવા બેદરકારીભર્યું વર્તન ગુનો કરાવવા માટે ઉશ્કેરણી સમાન ગણી શકાય નહીં.
હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ વ્યક્તિ સામે ગુનો ન રોકવાનો અથવા કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપ હોય, તો પણ માત્ર નિષ્ક્રિયતા પૂરતી નથી. ગુનો ન રોકવા બદલ ગુનો કરાવવા માટે ઉશ્કેરણીનો આરોપ મૂકવા માટે સંબંધિત વ્યક્તિ પર કાયદેસરની ફરજ હોવી અને તે ફરજનો ભંગ થયો હોવાનું દર્શાવવું જરૂરી છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે કનૈયાલાલ ત્રિકમલાલ પટેલની અરજી મંજૂર કરી હતી અને એલિસબ્રિજ પોલીસ મથકમાં વર્ષ 2016માં નોંધાયેલી ફરિયાદ તેમજ તેમાંથી ઊભી થયેલી તમામ અનુસંગિક કાર્યવાહી અરજદાર પૂરતી રદ કરી હતી. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ માત્ર અરજદાર કનૈયાલાલ ત્રિકમલાલ પટેલ પૂરતો મર્યાદિત રહેશે. અન્ય આરોપીઓ સામેની કાર્યવાહી કાયદા મુજબ ચાલુ રાખવામાં અદાલતના આ આદેશથી કોઈ અડચણ રહેશે નહીં.
આ પણ વાંચો:
(0)Comments